પ્રવાસો, શિબિરો, સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત, જુદાં-જુદાં દિવસોની ઉજવણીની સાથે-સાથે વ્યવહારુ જ્ઞાન પણ બાળકો મેળવી શકે તે હેતુથી ફિનાર ફાઉન્ડેશન દ્વારા “મસ્તીના મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાની મિરોલી પે-સેન્ટરની 11 સરકારી પ્રાથમિક શાળાના આશરે 300 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો જોડાયા હતાં. આયોજનની તમામ પ્રાથમિક જવાબદારીઓ ફિનાર ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવી હતી અને સંપૂર્ણ સંચાલન શાળા પરિવાર અને મુખ્યત્વે બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું.
ફિનાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આનંદ મેળામાં પાણીપુરી, ભેળ, મેગી, દાબેલી, વડાપાઉં, ખમણ-ઢોકળા, વગેરેના કુલ 20 ફૂડ સ્ટોલ; ચકડોળ, લપસણી, બલૂન શૂટિંગ જેવી રમતોના ગેમ ઝોન, જાદુગરનો ખેલ અને ઇનોવેશન સ્ટોલનું આયોજન થયેલ હતું. દરેક સ્ટોલમાં ભાગ લીધેલી વિદ્યાર્થીઓને ખરીદ-વેચાણ, માર્કેટિંગ, નફો-ખોટ જેવી ધંધાકીય બાબતોનું જ્ઞાન આપવાનો અને બાળકોના કૌશલ્યોને વિકસાવવાનો અમારો આ પ્રયાસ ઉત્તમ રહ્યો. આશરે 2000 ગામ વાસીઓ અને જુદી-જુદી શાળાના વિદ્યાર્થીઓએ મેળાનો આનંદ માણ્યો. નોંધનીય છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કિરીટસિંહજી ડાભી અને ગુજરાતી કેળવણી પરિષદના પ્રમુખ શ્રી મનસુખ સલ્લા દ્વારા “મસ્તીના મેળા”ની સફળતા માટે ફિનાર ફાઉન્ડેશન અને ભાગ લીધેલ તમામ શાળાના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી.